લદ્દાખમાં એલએસી પર ભારત સાથેના સરહદી વિવાદની આડમાં ચીને એલએસી પરના મધ્ય, સિક્કિમ અને પૂર્વ સેક્ટરોમાં મોટાપાયે મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ હાથ ધર્યું છે. ચીની સેના આ સેક્ટરોમાં સરફેસ ટુ એર મિસાઇલ સાઇટને મજબૂત બનાવી રહી છે, ડ્રોનની સંખ્યામાં વધારો કરી રહી છે અને તિબેટમાં આવેલા એરબેઝને વધુ આધુનિક બનાવી રહી છે. પૂર્વ લદ્દાખમાં એલએસી ખાતે બેઇજિંગની લશ્કરી પ્રવૃત્તિઓ પર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરીને ચીની સેના એલએસી પરના અન્ય વિસ્તારોમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહી છે. ચીની સેના દ્વારા સમગ્ર એલએસી પર થઇ રહેલા જમાવડા પર ભારતના લશ્કરી કમાન્ડરો ચિંતિત છે. હિમાચલપ્રદેશના કૌરિક પાસથી અરુણાચલપ્રદેશના ફિશટેઇલ વન અને ટુ સુધી ચીની સેના એલએસી પર લશ્કરી સુવિધાઓમાં વધારો કરી રહી છે. નામ નહીં આપવાની શરતે ભારતના મિલિટરી કમાન્ડરોએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી અમારા ધ્યાન પર આવ્યું છે કે ચીની સેના હિમાચલપ્રદેશમાં એલએસીના સેન્ટ્રલ સેક્ટરમાં કૌરિક પાસ નજીકના ચુરુપ ગામ ખાતે સડકનું નિર્માણ કરી રહી છે. હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં એલએસીથી ફક્ત ૪ કિલોમીટરના અંતરે ઉત્તરાખંડમાં બરાહોતી પ્લેઇન્સની ઉત્તરે તુનજુમ લાની આસપાસ ચીની સેનાએ નવા કન્ટેનર હાઉસિંગ મોડયુલ તૈયાર કર્યાં છે.
Categories