દિવાળીના તહેવારો પત્યાની સાથે જ અમદાવાદમાં કોરોના વાયરસે ફૂફાંડો માર્યો છે અને શહેરમાં કોરોનાનું સંક્રમણ ચરમસીમાએ પહોંચી ગયું છે. આ કારણે સ્થિતિ એવી બની ગઈ છે કે, અમદાવાદમાં કોરોનાના દર્દીઓથી શહેરની તમામ હોસ્પિટલ ફૂલ થઇ ગઈ છે. એવામાં હવે વિશ્વસનીય સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, અમદાવાદ શહેરના દર્દીઓને હવે છેક કરમસદ મેડીકલ કોલેજમાં મોકલવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓને SVP કે સંપાદિત હોસ્પિટલમાં દાખલ કરવાના વિવાદને ઠારવા અને વિવિધ ભલામણથી સર્જાતી સ્થિતિને ઠારવા માટે AMC દ્વારા કોરોનાના દર્દીને SVPમાં લાવવાને બદલે ક્યાં દાખલ કરવો તેની જવાબદારી ૧૦૮ ના કમાન્ડ કંટ્રોલ રૂમ અને કોર્પોરેશનના ડોકટરોની ટીમ છોડી દીધી છે, જેને લઈને વધુ એક વિવાદ ઉભો થયો છે. ત્યારે હવે સવાલો ઉભા થાય છે કે, કોરોના કાળમાં દર્દીઓને પોતાના શહેરમાં યોગ્ય સારવાર મળશે કે નહીં.