જૂનાગઢના ગિરનાર પર્વત પર શરૂ કરાયેલા રોપવેને શુક્રવારે સવારે 9:30 વાગ્યા સુધી બંધ કરી દેવાની નોબત આવી હતી. ભારે પવન ફૂંકાતાં આ નિર્ણય લેવો પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન આ સાથે અગાઉ કરેલા, 180 કિમીની ઝડપથી પવન ફૂંકાય તોપણ વાંધો ન આવે એવા સ્ટ્રકચરના દાવાનો ફિયાસ્કો થયો છે. આ અંગે મળતી વિગત મુજબ, ઉષા બ્રેકો કંપની દ્વારા બનાવાયેલા ગિરનાર ટેમ્પલ રોપવેને 24 ઓકટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલી ઉદઘાટન સાથે ખુલ્લો મૂક્યો હતો.દરમિયાન રોપવેની ટિકિટના ઊંચા ભાવને લઇને લોકોમાં ભારે રોષ છે. આ મામલે અનેક સંસ્થાઓ દ્વારા લડાઇ પણ ચલાવાઇ છે અને હજુ આગામી દિવસોમાં લડતને વધુ તેજ બનાવાશે. આમ, એક વિવાદ ઊભો છે ત્યાં બીજી ક્ષતિ સામે આવી છે. રોપવે દ્વારા અગાઉ એવા દાવો કરાયો હતો કે, રોપ-વેનું સ્ટ્રકચર એ રીતે તૈયાર કરાયું છે કે, 180 કિમીની ઝડપે પવન ફૂંકાય તો પણ વાંધો નહી આવે.બીજી તરફ ગુરૂવારની રાત્રીના 11 વાગ્યાથી જ ગિરનાર પર્વત પર 45 કિમીની ઝડપે તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. પરિણામે રોપવેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીએ રોપ- વેને બંધ કરવાની ફરજ પડી હતી. શુક્રવારે સવારે 9:30 વાગ્યા બાદ પવનની ઝડપ ઘટતા પ્રથમ સ્લો સ્પીડમાં અને બાદમાં નોર્મલ સ્પીડમાં રોપ- વે શરૂ કરવામાં આવ્યો છે.
Categories