કોરોના વાયરસે ગુજરાતમાં ફરીથી કહેર વર્તાવાનું શરુ કરી દીધું છે, ત્યારે આ વર્ષે દરેક તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. એવામાં આ વર્ષે કોરોનાને કારણે ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એટલે કે નવરાત્રી ને પણ મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યારબાદ હવે ગિરનારમાં દર વર્ષે દેવદિવાળી ના દિવસથી યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર તરફથી પત્રકાર પરિષદ યોજીને આ અંગે માહિતી આપવામાં આવી હતી. જે પ્રમાણે આ વર્ષે સૌરાષ્ટ્રની શાન એવા ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા નહીં યોજાય. દર વર્ષે દેવદિવાળીના દિવસથી ગિરનારની પરિક્રમા યોજાય છે. વર્ષોથી આ પરંપરા રહી છે. દર વર્ષે આશરે 10 લાખથી વધારે લોકો આ પરિક્રમામાં જોડાયા હોય છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી તેમજ જંગલ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું શક્ય ન હોવાથી વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Categories